Kutch : કચ્છના નોટીફાઈડ એરિયામાંથી મોદી સહિત ત્રણ ઝડપાયા, પરમિશન વિના પ્રવેશ કરતા પશ્ચિમ કચ્છ પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચે પકડી લીધા
નારાયણ સરોવર પોલીસ મથક હેઠળના BSF કેમ્પ વિસ્તારમાં જોવા મળતા LCB દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી
WND Network.Bhuj (Kutch) : રાજ્યના સૌથી મોટા અને બોર્ડર ડીસ્ટ્રીકટ કચ્છમાં સરકારે નક્કી કરેલા નોટીફાઈડ સંવેદનશીલ બોર્ડર વિસ્તારમાં પરમિશન વગર જઈ શકાતું નથી તેવામાં મોદી સહિતના ત્રણ પરપ્રાંતીય વ્યક્તિને શંકાસ્પદ હરકત તેમજ પરમીટ વિના પ્રવેશ કરવા બદલ પકડી લેવામાં આવ્યા છે. પશ્ચિમ કચ્છના નારાયણ સરોવર પોલીસ મથક વિસ્તારમાં આવેલા બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના કેમ્પ વિસ્તારમાં ત્રણેય પરપ્રાંતીય વ્યક્તિ જોવા મળતા ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.
કચ્છના સંવેદનશીલ સરહદી વિસ્તારને કેન્દ્ર સરકાર દ્વારા નોટીફાઈડ એરિયા જાહેર કરવામાં આવેલો છે. અહીં જવા માટે સક્ષમ અધિકારીની કચેરી મારફતે પરમિશન લેવી ફરજીયાત હોય છે. પોલીસ સહીત વિવિધ ઇન્ટેલિજન્સ એજન્સી દ્વારા આવા વિસ્તારમાં વોચ રાખવામાં આવતી હોય છે. દરમિયાન પશ્ચિમ કચ્છ પોલીસ બેડા અંતર્ગત આવતા નારાયણ સરોવર પોલીસના તાબા હેઠળના એવા વિસ્તાર જયાં BSFના યુનિટ આવેલા છે ત્યાં કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓની મુવમેન્ટ જોવા મળી હતી.
બાતમીને આધારે ભુજ LCB દ્વારા ત્રણ વ્યક્તિઓની અટકાયત કરતા તેમની પાસે નોટીફાઈડ એરિયામાં પ્રવેશ કરવાની કોઈ મંજૂરી ન હતી. જેને પગલે ઝારખંડ ઝુમરીતલૈયાના રોહિતકુમાર સંતોષ મોદી, ઉત્તરપ્રદેશના અંકિત તિવારી અને બિહારના અભિષેક સિંહને પકડી લેવામાં આવ્યા હતા. તેમની વિરુદ્ધ ગૃહમંત્રાલયના આદેશ વિરુદ્ધ નોટીફાઈડ એરિયામાં પ્રવેશ અંગેનો ગુન્હો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
માત્ર કાર્યવાહીનો દેખાડો કરવા કેસ કરાયો ? : કચ્છમાં, ખાસ કરીને ખાવડા સહીત નારાયણ સરોવર અને તેની આસપાસના એરિયામાં છેલ્લા કેટલાય સમયથી મોટા ઉદ્યોગ સમૂહ દ્વારા કંપનીઓની સ્થાપના કરવામાં આવી છે. અહીં મોટા પ્રમાણમાં ગુજરાત બહારના રાજ્યોના લોકો રોજીરોટી માટે કામ કરી રહ્યા છે. સૂત્રોનું માનીએ તો ઝડપાયેલા આ ત્રણ વ્યક્તિ પણ કોઈ કંપનીના કામ માટે અહીં આવ્યા હતા. પરંતુ તેમની પાસે નોટીફાઈડ એરિયાની મંજૂરી ન હતી એટલે પોલીસે તેમને પકડી લીધા છે. પોલીસ જો ખરેખર ગંભીરતાથી આવી કાર્યવાહી કરે તો રોજ બોર્ડર એરિયાના પોલીસ સ્ટેશનમાં આવા ઘણા કેસ દાખલ કરવા પડે.
Web News Duniya