ગાંધીધામનો ખંડણીખોર રવિન્દ્ર સબરવાલ અદાલતના શરણે, અડધા કરોડની ખંડણી માંગવા અંગે તેની સામે થયેલી FIR રદ્દ કરવા હાઇકોર્ટ દોડ્યો
છાશવારે પોલીસને અરજીઓ કરીને હેરાન કરતા સબરવાલ સામે આદિપુર પોલીસ સ્ટેશનમાં ફરજમાં રુકાવટનો કેસ પણ થયેલો હોવા છતાં પોલીસે ખંડણીની ગંભીર કહી શકાય તેવી FIRમાં રવિન્દ્રની ધરપકડ ન કરીને હાઇકોર્ટ જવાનો સમય આપ્યો
WND Network.Gandhidham (Kutch) : પૂર્વ કચ્છ ગાંધીધામના કહેવાતો 'જાગૃત' નાગરિક કમ કથિત RTI એક્ટિવિસ્ટ રવિન્દ્ર સબરવાલ તેની સામે 50 લાખની ખંડણી માંગી હોવાની FIRને રદ્દ કરવા માટે અદાલતની શરણમાં ગયો છે. પચીસ દિવસ પહેલા બીજી માર્ચે રવિન્દ્ર સબરવાલ વિરુદ્ધ અધધ કહી શકાય તેવી માતબર અડધા કરોડની ખંડણી માંગવામાં આવી હોવાની ગંભીર ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં રવિન્દ્ર સબરવાલ સામે ફરિયાદીએ આધાર પુરાવા સાથે એવો આક્ષેપ કર્યો હતો કે, TI એક્ટિવિસ્ટ તરીકે અરજી કરીને ફરિયાદી બિલ્ડરની દીકરી વિરુદ્ધ ખોટી ફરિયાદો અને રજૂઆતોની ધમકી આપી હતી. રવિન્દ્ર આ કૃત્ય સતત સાત વર્ષ સુધી કરતો રહ્યો હતો. સબરવાલનો ત્રાસ સહન ન થતા છેવટે બિલ્ડર દ્વારા ગંભીર કલમો તળે ફરિયાદ કરવામાં આવી હતી. જેને રદ્દ કરાવવા માટે ગાંધીધામનો આ કહેવાતો જાગૃત નાગરિક કમ કથિત RTI એક્ટિવિસ્ટ ગુજરાત હાઇકોર્ટની શરણમાં ગયો છે.
રવિન્દ્ર સબરવાલ વિરુદ્ધ થયેલી ખંડણીની અને ભયભીત કરવાની ગંભીર કલમો હેઠળ ફરિયાદ બાદ તેને પકડવાને બદલે નોટીશ આપી તેને પોલીસ સ્ટેશને બોલાવ્યો હતો. પરંતુ પોતાની ધરપકડ ટાળવાના પ્રયાસને અંજામ આપવા માટે તે FIR રદ્દ કરવા માટે હાઇકોર્ટ ગયો હોવાનું કહીને હાલ પૂરતો તો છટકી ગયો છે. ચોંકાવનારી વાત એ છે કે, પોલીસે પણ તેની વાત માની લઈને ખંડણી માંગવાનો અતિ ગંભીર ગુન્હો હોવા છતાં તેની ધરપકડ કરી નથી.
ગાંધીધામના બિલ્ડર દ્વારા રવિન્દ્ર સબરવાલ વિરુદ્ધ કરવામાં આવેલી FIR બાદ કેસની તપાસ કરી રહેલા ગાંધીધામ 'એ' ડીવીજન પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર જે.ડી.પરમારનો સંપર્ક કરવામાં આવતા તેમણે કહ્યું હતું કે, ફરિયાદ બાદ અમે રવિન્દ્રને નોટિસ આપીને હાજર થવા કહ્યું હતું. PSI પરમારે વધુમાં ઉમેર્યું કે, રવિન્દ્ર સબરવાલે નોટિસના જવાબમાં કહ્યું કે, તેની વિરુદ્ધ થયેલી ખંડણી માંગવાની FIR રદ્દ કરાવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરી છે. હાઇકોર્ટની પ્રક્રિયા પુરી થયા બાદ તે પોલીસ સમક્ષ હાજર થશે.
રવિન્દ્ર સબરવાલથી હેરાન-ત્રસ્ત થયેલા લોકો આગળ આવે, WebNewsDuniya.Com તેમની વેદનાને વાચા આપશે : વર્ષોથી ગાંધીધામ સહીત આખા કચ્છમાં કાયદાનો દુરુપયોગ કરીને વારંવાર RTI, અરજીઓ અને ફરિયાદો કરનારા રવિન્દ્ર સબરવાલથી સામાન્ય લોકો, ખાસ કરીને સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ હેરાન-ત્રસ્ત છે પરંતુ ખોટી ઉપાધિમાં પાડવાની બીકે કોઈ તેનું નામ નથી લેતું. જેને લીધે તેની હિંમત એટલી વધી છે છે હવે તે અડધા કરોડ જેટલી ખંડણી માંગે છે. ખંડણીની ફરિયાદ કરનારા બિલ્ડર પણ હાર્ટના પેશન્ટ હતા એટલે સાત સાત વર્ષ સુધી રવિન્દ્રનો ત્રાસ સહન કર્યો પરંતુ છેવટે સહન શક્તિની હદ વટી જતા તેમણે સબરવાલના કૃત્યને પડકાર્યુ હતું. ખંડણીની ફરિયાદ કરનારા બિલ્ડરની જેમ રવિન્દ્રથી હેરાન પરેશાન - ત્રસ્ત થયેલા ઘણા છે. તેઓ કોઈપણ જાતની બીક રાખ્યા વિના આગળ આવે અને ફરિયાદ કરે અથવા વેબ ન્યૂઝ દુનિયાનો સંપર્ક કરે, અમે તેમની વેદનાને વાચા આપીશું. જરૂર પડે તેમની ઓળખ પણ જાહેર કર્યા વિના રવિન્દ્ર સબરવાલના કૃત્યને અમે પ્રસિદ્ધ કરીશું.
( રવિન્દ્ર સબરવાલ વિરુદ્ધ પચાસ લાખની ખંડણી માંગવા અંગેની ફરિયાદ વિશેનો અમારો ન્યૂઝ રિપોર્ટ વાંચવા માટે અહીં ક્લિક કરો https://webnewsduniya.com/Extortion-complaint-filed-against-Ravindra-Sabharwal-a-vigilant-citizen-of-Gandhidham-East-Kutch-05032026 )
Web News Duniya