West Kutch Police : ભુજમાં નિવૃત્ત IAS સહીત R&Bના રિટાયર્ડ એક્ઝિક્યુટિવ એન્જીયર, સ્ટેટ IBના નિવૃત્ત ASI સાથે સાત જુગાર રમતા ઝડપાયા, રેડ બાદ રાતે જ પોલીસ સ્ટેશનમાંથી જામીન પણ આપી દીધા !

રાતોરાત તરત જ પોલીસ સ્ટેશનમાંથી જામીન આપી દેવાની આવી સુવિધા તમામ સામાન્ય લોકોને મળતી નથી. જેના ઉપરથી જ સાબિત થાય થાય કે, આ એક હાઈપ્રોફાઈલ જુગાર રેડ હતી

West Kutch Police : ભુજમાં નિવૃત્ત IAS સહીત R&Bના રિટાયર્ડ એક્ઝિક્યુટિવ એન્જીયર, સ્ટેટ IBના નિવૃત્ત ASI સાથે સાત જુગાર રમતા ઝડપાયા, રેડ બાદ રાતે જ પોલીસ સ્ટેશનમાંથી જામીન પણ આપી દીધા !

WND Network.Bhuj (Kutch) : સૌરાષ્ટ્ર - કચ્છમાં શ્રાવણ મહિનામાં જુગારની મોસમ પુરબહાર ખીલી છે ત્યારે જિલ્લા મથક ભુજ રીજેન્ટા હોટેલમાંથી પોલીસે કચ્છમાં DDO તરીકે ફરજ બજાવી ગયેલા રિટાયર્ડ IAS સહીત માર્ગ અને મકાન વિભાગ (R & B)ના નિવૃત્ત એક્ઝિક્યુટિવ એન્જીનીયર, સ્ટેટ IBના રિટાયર્ડ ASI ઉપરાંત કુલ સાત લોકોને મંગળવારની રાતે જુગાર રમતા ઝડપી લીધા હતા. જેમાં બે વ્યક્તિ તો દારૂ પીધેલા હતા. બુધવાર સવારથી ટોક ઓફ ધ ટાઉન નહીં પરંતુ સ્ટેટ બનેલી આ ઘટનામાં પોલીસે આશ્ચર્યજનક રીતે રેડ કર્યા બાદ રાતે જ તમામને જામીન ઉપર મુક્ત કરી દીધા હતા. રાતોરાત તરત જ પોલીસ સ્ટેશનમાંથી જામીન આપી દેવાની આવી સુવિધા તમામ સામાન્ય લોકોને મળતી નથી. જેના ઉપરથી જ સાબિત થાય થાય કે, આ એક હાઈપ્રોફાઈલ જુગાર રેડ હતી. માત્ર એટલું જ નહીં પરંતુ નાની અમથી વાતમાં પ્રેસનોટ અને ફોટા મોકલીને ન્યૂઝ પબ્લિશ કરવા માટે ભલામણ કરતી પોલીસે આ ઘટનામાં મોઢું સીવી લીધી હતું.

ભુજ 'એ' ડિવિઝન પોલીસે મંગળવારની રાતે શહેરની જાણીતી થ્રી સ્ટાર હોટેલ રિજેન્ટામાં રેડ કરીને કેટલાક લોકોને જુગાર રમતા અને દારૂ પીધેલી હાલતમાં ઝડપી લીધા હતા. પોલીસે જે લોકોને આ રેડમાં પકડયા હતા તેમાં કચ્છમાં ફરજ બજાવી ગયેલા DDO એવા નિવૃત્ત IAS સી.જે.પટેલ ઉર્ફે ચંદ્રકાન્ત જાદવજી પટેલ (૬૫, ગોયલ ઈન્ટરસીટી, થલતેજ, અમદાવાદ),  માર્ગ અને મકાન વિભાગ (R & B)ના નિવૃત્ત એક્ઝિક્યુટિવ એન્જીનીયર કે.આર.પટેલ ઉર્ફે કિરીટ રમેશભાઈ પટેલ (૬૦, બેન્કર્સ કોલોની, ભુજ), લાંબા સમયથી R & Bભુજમાં ફરજ બજાવતા ચિરાગ બળદેવભાઈ ડોડીયા (૪૦, રજવાડી બંગ્લો, ભુજ), દિવાળી ટાણે પાંચ પાંચ હજારના કવરની લ્હાણી કરતા નરેન્દ્ર અરવિંદભાઈ ભદ્રા (૩૪, ઓધવપાર્ક-૦૨, પ્રમુખ સ્વામીનગર, ભુજ), સ્ટેટ IBમાંથી અસી તરીકે રિટાયર્ડ થયેલા જે.એમ.ઝાલા ઉર્ફે જયેન્દ્રસિંહ મીઠુભા ઝાલા (૫૪, મુંદરા રીલોકેશન_ સાઈટ), પોલીસના દરોડામાં જેમની અટક બદલી નાખવામાં આવી છે તેવા સંજય પ્રવિણભાઈ પટેલ (રામજીયાણી ) (૪૦, ક્રિષ્ના નિવાસ, ભાવેશ્વરનગર, ભુજ) અને અરવિંદકુમાર ચતુર્ભુજ ગોર (૬૮, શિવકૃપાનગર, ભુજ)ને જુગાર રમતા પકડી લેવામાં આવ્યા હતા. 

રેડની વધુ વિગતો તેમજ જુગારમાં ઝડપાયેલા લોકોને જામીન કયારે મળ્યા તે જાણવા માટે ભુજ 'એ' ડિવિઝન પોલીસ મથકના ઇન્સ્પેક્ટર એ.એમ.પટેલનો 'વેબ ન્યૂઝ દુનિયા' દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ તેઓ મળી શક્યા ન હતા.  

જુગાર રમવા રીજેન્ટા હોટેલમાં નહીં પણ ભુજ તાલુકાના રેહા અને ભારાપર ગામમાં ચાલતી કલબમાં જવાનું : એક તરફ જયાં પશ્ચિમ કચ્છ પોલીસે ભુજની હોટેલમાં લાખોનો જુગાર અને દારૂ પીતા હાઈ પ્રોફાઈલ ઝડપ્યા છે ત્યાં બીજી તરફ પોલીસની મીઠી નજર તળે ભુજ તાલુકાના રેહા અને ભારાપર ગામે મોટી ક્લબ ધમધમી રહી છે. ચાલીસથી પચાસ લાખના સેક્શન એટલે કે માસિક હપ્તાથી ચાલતી આ ક્લબમાં તમામ સુવિધા સાથે ખેલીઓને જુગાર રમાડવામાં આવે છે. ભુજ તાલુકાના બે ગામમાં આટલી મોટી જુગારની ક્લબ ચાલતી હોય અને પોલીસને ખબર ન હોય તેવું માનવાને કોઈ અવકાશ નથી. એટલે લોકો હવે એવી પણ ચર્ચા કરી રહ્યા છે કે, રીજેન્ટા હોટેલમાં જુગાર રમી રહેલા જાણીતા લોકો જો રેહા કે ભારાપર ગામની ક્લબમાં ગયા હોત તો તેમને સેક્શનથી પણ વધુનો 'વહીવટ' ન કરવો પડતો.