Kutch : કચ્છ-સૌરાષ્ટ્રની જુગાર કલબ વાપી પાસે મહારાષ્ટ્રની સીમમાં ગોઠવાઈ, લાખોનો હપ્તો આપવા છતાં SMC સહિતનાથી બચવાની ગેરેન્ટી ન મળતા 'મીઠી નજર' તળે ચાલતી વિવિધ ક્લબે જગ્યા બદલી
કચ્છના કનૈયાબે, અંજાર, ભુજ, ભચાઉ, ગાંધીધામ અને સામખિયાળી સહીત માળિયામાં ધમધમતી ક્લબે ઉચાળા ભરી લેતા ખેલીઓ હવે જુગટું રમવા મહારાષ્ટ્રમાં જવા લાગ્યા
WND Network.Bhuj (Kutch) : શ્રાવણ માસને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં દર વર્ષે જે રીતે જુગારની મૌસમ ખીલતી હોય છે તે હવે કદાચ નહીં થાય. કારણ કે, લાખો રૂપિયાનો હપ્તો (જેને પોલીસ અને જુગારીઓની ભાષામાં સેક્શન તરીકે ઓળખવામાં આવે છે) આપવા છતાં મીઠી નજરથી ચાલતી આ વિવિધ ક્લબનો હપ્તો લેનારી પોલીસ કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. પરિણામે સુરક્ષિત રીતે જુગારની કલબ ચાલે તે માટે કચ્છ અને સૌરાષ્ટ્રમાં મોટા પાયે ક્લબ ચલાવતા કુખ્યાત-જાણીતા ગેમ્બલરો દ્વારા આવી ક્લબને ખસેડવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના વાપીથી દસેક કિલોમીટર દૂર મહારાષ્ટ્રની સીમમાં એક મોટી જગ્યાએ વિશાળ ડોમ બનાવીને અહીં ક્લબ શરુ કરવામાં આવી છે. જેને પગલે રોજ કચ્છમાં જોવા મળતા ખેલીઓ હવે ત્રણ-ચાર દિવસે કચ્છમાં પ્રગટ થાય છે. પોલીસ અને ક્લબના સંચાલકો સાથે સંકળાયેલા સૂત્રોનું માનીએ તો, કચ્છ અને સૌરાષ્ટ્રની પોલીસને પંદર દિવસના વીસેક લાખ રૂપિયાનું સેક્શન આપવા છતાં ઉચાટમાં ક્લબ ચલાવતી પડતી હતી. સ્ટેટ મોનીટરીંગ સેલ સહિતની ગુજરાત પોલીસની એજન્સીઓની રેડ પાડવાની બાતમી મળે તો પંદર દિવસમાંથી બે ત્રણ દિવસ ક્લબ બંધ રાખવી પડતી હતી. કેટલીક વાર તો હપ્તો લેનારી પોલીસ તેમને ટૂંકા ગાળામાં જગ્યા પણ બદલી નાખવા માટે દબાણ કરતી હતી. આવી માથાકૂટથી બચીને આ શિફટિંગ કરવામાં આવ્યું હોવાનો દાવો સૂત્રો કરી કરી રહ્યા છે.
સૂત્રો એમ પણ દાવો કર્યો કર્યો છે કે, વાપીથી થોડે દસેક કિલોમીટર દૂર મહારાષ્ટ્ર ની હદમાં એક મોટા ગજાના આગેવાને એક કરોડ રૂપિયા સેક્સન ભરીને જુગાર કલબ ચલાવવાની ગોઠવણ કરી છે. એક મોટા કમ્પાઉન્ડ ખાતે એસી હોલ તેના દ્વારા તૈયાર કરાયો છે. કોર્પોરેટ ઓફિસને પણ ટક્કર મારે તેવા એસીની સુવિધ વાળા અલગ અલગ રૂમ તેની અંદર બનાવવામાં આવ્યા છે. આ હોલમાં જુગાર ક્લબના પત્તા અને ધાણીના ખેલ ચલાવવા માટે સંચાલકોને બાર-બાર કલાકની શિફ્ટ આપવામાં આવે છે. આટલી સુવિધાની સાથે સાથે સૌથી મોટી વાત જે આ ક્લબ શિફટિંગને અસર કરે છે તે એ સિક્યોરિટીની છે. જે કચ્છમાં હપ્તો લેવા છતાં અમુક પલળેલા પોલીસ કર્મચારીઓ આપતા નથી.
આવી રીતે ચાલે છે આ બાર-બાર કલાકની શિફ્ટવાળી જુગાર ક્લબ : જુગાર ક્લબની ગોઠવણ કરવાવાળી વ્યક્તિએ બાર-બાર કલાકની શિફ્ટનું સમય ગોઠવી આપ્યો છે. કોઈપણ સંચાલક ત્યાં 12 કલાકનો ઘાણીનો ખેલ રમાવવા ઈચ્છતો હોય તો તેને સંચાલકને ૮૦ હજાર રૂપિયા ભાડું ચૂકવવાનું હોય છે. એવી જ રીતે પત્તાનો ખેલ ચલાવવો હોય તો તેનો અલગ ભાવ વસૂલવામાં આવી રહ્યો છે. પત્તાના ખેલમાં એક એક શિફ્ટમાં 200 થી 300 ખેલીયો રમતા હોય છે. જેમાં લાખો રૂપિયાની હારજીત થતી હોય છે ત્યારે 12 કલાક શિફ્ટ ભાડે રાખનારને મોટો ફાયદો થતો હોય છે. સંચાલકને તો એક શિફ્ટનો જે નક્કી થયેલું ભાડું છે તે જ આપવાનું રહે છે. હવે તમે વિચારો કે, જો વાતની ખબર મીડિયા સુધી પહોંચી હોય તો ઉડતા પંખીનો શિકાર કરવામાં માહેર ગુજરાતની પોલીસને શું આ વાતની ખબર નહીં હોય તે વાત ગળે ઉતરે તેમ નથી.
એટલે કચ્છ સૌરાષ્ટ્રના ખેલીઓ છેક વાપી પાસે મહારષ્ટ્રમાં જુગાર રમવા માટે જાય છે : કચ્છના જુગારના ખેલીઓને લોકલ એરિયામાં કલબ ચલાવવા માટે 15 થી 20 લાખ રૂપિયાનું સેક્શન આપવું પડે તેમ છે. અને એમાં પણ પશ્ચિમ કચ્છમાં તો એકથી વધુ ત્રણથી ચાર જગ્યાએ ખેલ ચાલુ હોવાથી ખેલીઓનો પણ એટલો ઘસારો જોવા મળતો નથી. જેને લીધે પોલીસને આપવા પડતા સેકશનના રૂપિયા તેમજ ખર્ચા પણ માંડ માંડ નીકળતા હતા. એટલે છેવટે રૂપિયાની બચતથી લઈને સેફટીની ગેરંટી મળતી હોવાને કારણે કચ્છના સંચાલકોએ વાપીથી આગળ આવેલી આ ક્લબમાં પહોંચી ગયા છે. અને પોતાના ખેલીઓને પણ ત્યાં રમાડવા માટે બોલાવી રહયા છે. મહારાષ્ટ્ર્ની સીમમાં આવેલા આ વિશાળ કમ્પાઉન્ડમાં એક સાથે એક જ સમયે 500 લોકોનું જમવાનું કલબ ખાતે જ બને છે. માત્ર એટલું જ નહીં પરંતુ ક્લબના સંચાલકોએ કચ્છ-સૌરાષ્ટ્રથી પોતાના વર્ષો જુના ભરોસાપાત્ર ખેલીઓને સાચવવા માટે રહેવાની વ્યવસ્થા પણ આ ડોમમાં જ ઉભી કરી દીધી છે. કચ્છમાં લાખો રૂપિયા આપીને પણ ફફડતા જુગાર ક્લબ ચલાવવા કરતા ત્યાં એક શિફ્ટ નું ભાડું ચૂકવી અને ક્લબ ચલાવવામાં સંચાલકોને ફાયદો જ ફાયદો દેખાય રહ્યો છે એટલે ભુજ, અંજાર, કનૈયાબે, ગાંધીધામ, ભચાઊ, સામખિયાળી, આદિપુર , માળીયાના સંચાલકોએ વાપી તરફ દોટ મૂકી છે.