ભુજના નિવૃત્ત મહિલા PSIને ડિજિટલ અરેસ્ટ કરી 83 લાખ પડાવી લેવાયા, થાઈ-કમ્બોડીયન બોર્ડર ઉપર ચાલતા ઓનલાઇન ફ્રોડ સ્કેમર ઉપર રેડ પડતા મામલો બહાર આવ્યો

થાઈલેન્ડની મિલિટરી એન્ડ સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ કમ્બોડીયન બોર્ડર ઉપર આવેલા સુવિન પ્રાંતમાં ચાલતા આંતરરાષ્ટ્રીય ઓનલાઇન સ્કૅમનો પર્દાફાશ કરીને માહિતી બોર્ડર રેન્જના સાયબર સેલને ઇનપુટ આપ્યું ત્યારે મહિલા PSIને પોતે ડિજિટલ અરેસ્ટનું ભાન થયું

ભુજના નિવૃત્ત મહિલા PSIને ડિજિટલ અરેસ્ટ કરી 83 લાખ પડાવી લેવાયા, થાઈ-કમ્બોડીયન બોર્ડર ઉપર ચાલતા ઓનલાઇન ફ્રોડ સ્કેમર ઉપર રેડ પડતા મામલો બહાર આવ્યો

(થાઈ એજન્સી દ્વારા જયારે ઓનલાઇન ફ્રોડ કરતા ગઠિયાઓ ઉપર દરોડો પાડવામાં આવ્યો ત્યારે પોલીસ સ્ટેશન, કોર્ટ વગેરે જેવા સરકારી વિભાગો જેવા તૈયાર કરવામાં આવેલા વિવિધ રૂમ જોવા મળ્યા હતા. ચીટરો અહીં બેસીને લોકોને પોલીસ અને ED, CBI જેવી એજન્સીઓનો ડર બતાવીને રૂપિયા પડાવતા હતા)

WND Network.Bhuj (Kutch) : સરકાર, પોલીસ અને સોશિયલ મીડિયા મારફતે સતત સાયબર ફ્રોડ - ડિજિટલ અરેસ્ટ અંગેની જાગૃતિ ફેલાવવામાં આવી રહી હોવા છતાં આ પ્રકારના ગુન્હામાં ઉછાળો આવ્યો છે તેવામાં કચ્છમાં એક નિવૃત્ત મહિલા પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) ને જ સાયબર માફિયાઓએ શિકાર બનાવતા ખળભળાટ મચી ગયો છે. ઇન્ટરનેશનલ લેવલે અલગ અલગ દેશોના લોકોને મૂર્ખ બનાવી ડિજિટલ અરેસ્ટ કરીને લાખો - કરોડો રૂપિયા ઠગી લેતા એક મોટા નેટવર્ક ઉપર થાઈલેન્ડની મિલિટરી એન્ડ સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (The Thai military and Central Investigation Bureau - CIB)  પોલીસે રેડ કરી ત્યારે મોટું કૌભાંડ બહાર આવ્યું હતું. થાઈ-કમ્બોડીયન બોર્ડર ઉપર આવેલા સુવિન પ્રાંતમાં ચાલતા આંતરરાષ્ટ્રીય ઓનલાઇન સ્કૅમર ઉપર દરોડો કાર્ય બાદ ત્યાંની પોલીસે ચીટરોએ જેમને ડિજિટલ અરેસ્ટ કરીને ઠગ્યા હતા તેની માહિતી મળી હતી. જેમાં ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં રહેતા એક નિવૃત્ત મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટરને પણ બે મહિના સુધી ડિજિટલ અરેસ્ટ કરીને ટુકડે ટુકડે 83 લાખ જેટલી માતબર રકમ ચીટરો દ્વારા પડાવી લેવામાં આવ્યા હોવાનું ઇનપુટ બોર્ડર રેન્જના સાયબર સેલને આપવામાં આવ્યું હતું. થાઈ એજન્સીના ઇનપુટના પગલે ભુજના મહિલા PSIને જયારે આ અંગે જાણ કરવામાં આવી ત્યારે તેમને ખબર પડી કે, તેમને સાયબર માફિયાઓ દ્વારા ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા હતા અને તેમનું લાખો રૂપિયાનું ચીટિંગ થઈ ગયું છે.  

શુક્રવારે, 23મી જાન્યુઆરીના રોજ થાઈ એજન્સી દ્વારા પાડવામાં આવેલા દરોડા બાદ તેમની પાસેથી મળેલા ઈનપુટને આધારે બોર્ડર રેન્જના સાયબર સેલની ટીમ દ્વારા ભુજમાં સ્વૈચ્છીક નિવૃત્તિ (VRS) લઈએ એકાકી જીવન ગુજારતા મહિલા સબ ઇન્સ્પેક્ટર રાજ્યલક્ષ્મી ચિદમ્બરમ જોશીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. કચ્છની પોલીસે જયારે ઘરે આવીને મહિલા PSIને જાણ કરી ત્યારે તેમને ખબર પડી હતી કે, તેમને ડિજિટલ અરેસ્ટ કરીને છેતરવામાં આવ્યા છે. અને ત્યારબાદ તેમની ડિજિટલ અરેસ્ટ સાયબર ફ્રોડની FIR નોંધવામાં આવી હતી. PSI રાજલક્ષ્મી જોશી કચ્છ પોલીસમાં LCB સહીત LIB, પાસપોર્ટ વિભાગ અને પોલીસ મથકમાં ફરજ બજાવી ચુક્યા છે. ગઠિયાઓએ તેમને EDના મની લોન્ડરિંગ કેસની ખોટી ધમકી આપીને સુપ્રીમ કોર્ટ તેમજ મુંબઈ પોલીસની બીક બતાવીને ટુકડે ટુકડે કરીને 83 લાખની માતબર રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધી હતી. 

ડિજિટલ અવેરનેશ અને સાયબર સિક્યોરિટીના બણગાં વચ્ચે કચ્છમાં 26 દિવસમાં બનેલી ચોથી ઘટના : ઓનલાઇન પ્લેટફોર્મ, કોઈપણ તકલીફ તકલીફ માટે માત્ર એક નંબર, ડિજિટલ અવેરનેશ અને સાયબર સિક્યોરિટીના મસમોટા સરકારના દાવા વચ્ચે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં લોકો તેમની જિંદગીભરની માયાની મૂડી સમાન લાખો કરોડો રૂપિયા ગુમાવી રહ્યા છે. ખાલી કચ્છની જ વાત કરીએ તો છેલ્લા 26 દિવસમાં સાયબર ફ્રોડ અને ડિજિટલ અરેસ્ટની આ ચોથી ઘટના છે. આમાં તો ખુદ પોલીસ અધિકારી ભોગ બને છે. દુનિયામાં ભારત સિવાય અન્ય દેશોમાં લોકો અને સરકાર વિજ્ઞાન અને ટેક્નોલોજીને મહત્વ આપી રહ્યા છે અને અહીં મસ્જિદની નીચે મંદિર શોધવા ખોદકામથી લઈને કોર્ટ કેસ અને આંદોલનો થઇ રહ્યા છે.