Lok Sabha Election 2024 : ચૂંટણી પંચની શાખ પર સવાલ, બીજા તબક્કાના મતદાનના ઘણા દિવસો પછી મતદાનની ટકાવારીમાં 5.75%નો વધારો કેમ થયો ?

વિવાદ પછી બહાર આવેલી માહિતીને લઈને કોંગ્રેસ, TMC અને CPM જેવા પક્ષોએ પૂછ્યું કે, ઈલેક્શન કમિશનને મોડું કેમ થયું ?

Lok Sabha Election 2024 : ચૂંટણી પંચની શાખ પર સવાલ, બીજા તબક્કાના મતદાનના ઘણા દિવસો પછી મતદાનની ટકાવારીમાં 5.75%નો વધારો કેમ થયો ?

WND Network.New Delhi : લોકસભા માટેની 2024ની સામાન્ય ચૂંટણીને લઈને શરૂઆતથી જ ભારતીય ચૂંટણી પંચને શંકાની નજરે જોવામાં આવી રહ્યું છે. લેવલ પ્લેઈંગ ફિલ્ડની વાત હોય કે પછી અને આદર્શ આચાર સંહિતાની અમલવારીની વાત હોય કે પછી વાત હોય સ્ટાર પ્રચારકોને નોટિસ આપવાની. તમામ બાબતે ECI ના બેવડા માપદંડ જોવા મળી રહ્યા છે. હવે એક નવો આંકડાકીય માહિતીનો વિવાદ ચૂંટણી પંચની પ્રતિષ્ઠાને લાંછન લગાવી રહ્યો છે. ચૂંટણીના પ્રથમ અને દ્વિતીય તબક્કા બાદ ECI દ્વારા મતદાનનના આંકડા આપવામાં કરવામાં આવેલું મોડું અને ત્યારબાદ અંતિમ જાહેરાતમાં તેમાં પાંચ ટકાના વધારેને લઈને વિપક્ષ સહિતના લોકો દેશની સંવૈધાનિક સંસ્થા સામે શંકાની નજરે જોઈ રહ્યા છે. આવું ભારતમાં ચૂંટણીના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત થઇ રહ્યું છે.  

સમગ્ર વિવાદની શરૂઆત ચૂંટણી પંચ (ECI)એ બીજા તબક્કાના મતદાનના ઘણા દિવસો પછી જાહેર કરવામાં આવતા થઇ છે. કારણ કે, ચૂંટણી પંચ દ્વારા 4 દિવસ પહેલા જાહેર કરાયેલા આંકડાઓથી 5.75% મતદાનમાં વધારો જોવા મળ્યો છે. પહેલા તો લોકસભા ચૂંટણીના પહેલા અને બીજા તબક્કામાં મતદાનની ટકાવારી ઓછી હોવાને લઈને સવાલો થઈ રહ્યા હતા. જેને લીધે લોકો ચૂંટણી પંચને પૂછી રહ્યા છે કે, આ કેવી રીતે થયું ? અને એ માહિતી આપવામાં આટલા બધા દિવસનો વિલંબ કેમ થયો ? 

પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે 102 લોકસભા બેઠકો માટે થયું હતું. આ પછી બીજા તબક્કામાં 26 એપ્રિલે 88 બેઠકો પર મતદાન થયું હતું. તે દિવસે ECI એ જણાવ્યું હતું કે, બીજા તબક્કામાં દેશભરમાં 60.96 ટકા મતદાન થયું છે. હવે 30 એપ્રિલની સાંજે ચૂંટણી પંચ  કહે છે કે, બીજા તબક્કામાં 66.71 ટકા મતદાન થયું છે. મતલબ કે, બીજા તબક્કાના મતદાનના ચોથા દિવસે ઈલેક્શન કમિશને આપેલી માહિતીમાં 5.75 ટકાનો તફાવત - વધારો થાય છે. જેને લીધે હવે ચૂંટણી પંચની સામે પ્રશ્નો ઉઠી રહ્યં છે કે, આટલા દિવસો પછી મતદાનની ટકાવારી કેવી રીતે વધી ગઈ ? અને આ ડેટા જાહેર કરવામાં આટલો વિલંબ કેમ કરવામાં આવ્યો ? 

ટીએમસી નેતા ડેરેક ઓ બ્રાયન સોશિયલ X મીડિયા પર આ અંગે શંકા વ્યક્ત કહે છે કે, 'બીજા તબક્કાના મતદાનના 4 દિવસ પછી બહાર પાડવામાં આવેલા ECI અંતિમ ડેટામાં 5.57% નો વધારો જોવા મળી રહ્યો છે. શું આ એક સામાન્ય ઘટના છે ? આ વાત મારી સમજ બહારની છે'

CPI(M)ના નેતા સીતારામ યેચુરીએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પ્રશ્નો ઉઠાવ્યા છે અને પ્રથમ બે તબક્કા માટે પારદર્શિતાની માંગણી કરી છે. તેમણે એમ પણ કહ્યું કે, દરેક સંસદીય મતવિસ્તારમાં મતદારોની સંપૂર્ણ સંખ્યા શા માટે જાહેર કરવામાં આવતી નથી? તેમણે તો એમ પણ દાવો કર્યો કે, ચૂંટણી પરિણામ વખતે ગોટાળા થવાની સંભાવના છે કારણ કે મતગણતરી સમયે કુલ મતદારોની સંખ્યા બદલી શકાશે. અંતમાં યેચુરીએ કહ્યું કે, 2014 સુધી, દરેક મતવિસ્તારમાં કુલ મતદારોની સંખ્યા હંમેશા ECIની વેબસાઇટ પર ઉપલબ્ધ હતી, જે હવે નથી. 

જાણીતા પત્રકાર અને વર્ષોથી ચૂંટણી પ્રક્રિયાને નજીકથી જોનારા યોગેન્દ્ર યાદવે પણ આ ચૂંટણીના નવા આંકડાઓને લઈને ECI પાસેથી જવાબ માંગ્યો છે. તેણે X પર લખ્યું છે કે, 'મેં 35 વર્ષથી ભારતીય ચૂંટણીઓ જોઈ છે અને અભ્યાસ પણ કર્યો છે. મતદાનના દિવસે સાંજે જાહેર કરવામાં આવેલા ડેટા અને અંતિમ ડેટા વચ્ચે 3 થી 5%નો તફાવત હોવો એ કોઈ નવી વાત નથી. પહેલા 24 કલાકની અંદર ચૂંટણીને લગતી આંકડાકીય માહતી મળી જતી હતી. બે તબક્કાની માહિતી આપવામાં 11 દિવસનો વિલંબ (જેમાં પ્રથમ તબક્કા માટે 4 દિવસ, બીજા તબક્કા માટે 4 દિવસ), મતદારોની વાસ્તવિક સંખ્યા અને દરેક મતવિસ્તાર અને તેના વિભાગો માટે મતદાન થયેલ મતોની વિગતો ન આપવી તે પ્રથમ દ્રષ્ટિએ જ ગળે ન ઉતરે તેવી વાત છે. પરંતુ આ વખતે કેટલીક બાબતો અસામાન્ય અને ચિંતાજનક છે. 

ચૂંટણી પંચ તેની સામે થઈ રહેલા સવાલોનો 'સરકારી' જવાબ આપતા કહે છે કે, 26 એપ્રિલની સાંજે જ્યારે આ આંકડા આવ્યા ત્યારે પણ સેંકડો મતદાન મથકો પર લોકો લાંબી લાઈન લગાવીને વોટ આપવા માટે ઉભા હતા. મતદાનનો સમય પૂરો થતાં જ મતદાન મથકોના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. અને લાઈનમાં ઉભા રહેલા લોકોને વોટ આપવાની તક આપવામાં આવી હતી. કારણ કે, નિયમ મુજબ તે સમય સુધીમાં જે મતદારો મતદાન મથકમાં પ્રવેશ્યા હોય તેમને મતદાન કરવાની તક મળે છે. ઈલેક્શન કમિશન આગળ ખુલાસો કરે છે કે, રિમોટ એરિયા અથવા દુર્ગમ પર્વતીય વિસ્તારો અથવા ગાઢ જંગલોમાં સ્થિત ગામોના બૂથ પરથી મતદાન હાથ ધરતી ટીમને EVM સેટ સાથે જે તે જિલ્લા મુખ્યાલય સુધી પહોંચવામાં લગભગ એટલો જ સમય લાગે છે જેટલો ત્યાં જવા માટે લાગે છે. કેટલીક જગ્યાએ મતદાન ટીમ એકથી બે દિવસ પછી તો કેટલાક વિસ્તારોમાં અઢીથી ત્રણ દિવસ પછી પણ સ્ટ્રોંગ રૂમમાં પહોંચે છે. અને ત્યારબાદ તેમના આંકડા અપડેટ કરવામાં આવે છે. (ઈલેક્શન કમિશનનો દાવો ટિપિકલ સરકારી જવાબ એટલા માટે લાગે છે કે, આવી પરિસ્થિતિ તો દર વખતે ચૂંટણી સમયે હોય જ છે. આમાં નવું કાંઈ નથી )

 

છેલ્લે ચૂંટણી પંચે એમ પણ કહ્યું કે, તેની વેબસાઇટ પર છેલ્લો ડેટા 26 એપ્રિલે સાંજે 7 વાગ્યા સુધીનો હતો. આ અંતિમ આંકડો ન હતો. કેટલીક જગ્યાએ EVM ખરાબ થઇ જવાને કારણે મતદાનનો સમય લંબાવવામાં આવ્યો હતો. જ્યારે અંતિમ આંકડાની ગણતરી કરવામાં આવે ત્યારે છેલ્લે સંખ્યાઓ વધવી એ એક સામાન્ય વાત છે.