શું ભાજપ કંપનીઓને ડરાવીને ચૂંટણી ફંડ ઉઘરાવે છે ? 'ન્યૂઝલોન્ડ્રી'નો દાવો - જે 30 કંપનીએ ભાજપને 335 કરોડનું ચૂંટણી ફંડ આપ્યું તેમની ઉપર કેન્દ્રીય એજન્સીઓના દરોડા પડયા હતા...

30 માંથી 23 કંપની તો એવી છે જેણે વર્ષ 2014થી લઈને તેમની ઉપર રેડ પડી તે પહેલા એક રૂપિયો પણ ભાજપને આપ્યો ન હતો અને જેવી રેડ પડી કે 287.58 કરોડનું ફંડ આપી દીધું

શું ભાજપ કંપનીઓને ડરાવીને ચૂંટણી ફંડ ઉઘરાવે છે ? 'ન્યૂઝલોન્ડ્રી'નો દાવો - જે 30 કંપનીએ ભાજપને 335 કરોડનું ચૂંટણી ફંડ આપ્યું તેમની ઉપર કેન્દ્રીય એજન્સીઓના દરોડા પડયા હતા...

(Photo Credit : News Laundry)

WND Network.New Delhi : સુપ્રીમ કોર્ટ દ્વારા ચૂંટણી ભંડોળ એટલે કે ઈલેક્ટોરલ બોન્ડ્ઝ ઉપર પ્રતિબંધ મુક્યા પછી ચૂંટણી ભંડોળનો મામલો ચર્ચામાં આવ્યો છે. ત્યારે 'ન્યૂઝલોન્ડ્રી' નામની સ્વતંત્ર પત્રકારત્વ કરી રહેલી વેબસાઈટમાં એવો સ્ફોટક ખુલાસો કરવામાં આવ્યો છે કે, છેલ્લા પાંચ વર્ષમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે જે 30 કંપનીઓ ઉપર કેન્દ્રીય એજન્સીઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા તે કંપનીઓએ કાર્યવાહી બાદ અથવા તો રેડની કાર્યવાહી દરમિયાન જ ભાજપને કરોડો ચૂંટણી ભંડોળ આપ્યું છે. આ ભંડોળનો આંકડો નાનો નથી, પુરા 335 કરોડ રૂપિયા ભાજપને આ કંપનીઓ પાસેથી ચૂંટણી ફંડ સ્વરૂપે મળ્યા છે. 'ન્યૂઝલોન્ડ્રી' એ ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટિંગ કરીને ત્રણ ભાગમાં આ સનસનીખેજ રિપોર્ટ તૈયાર કર્યો છે. જેને લઈને હવે વિપક્ષના નેતાઓ પણ મેદાનમાં આવી ગયા છે. અને સોશિયલ મીડિયા ઉપર આ અંગે કોમેન્ટ કરીને મોદી સરકારની આકરી ટીકા પણ કરી રહ્યા છે. 

કોર્પોરેટ ફંડિંગ ભારતના રાજકારણમાં હંમેશા એક વિવાદાસ્પદ વિષય રહ્યો છે. કારણ કે, તાજેતરના વર્ષોમાં મોટા ભાગના નાણાં માત્ર એક જ રાજકીય પક્ષના ખાતામાં ગયું છે. અને એટલે જ એવું લાગે છે કે, આ બધું આયોજનબદ્ધ એક ચોક્કસ પ્રકારની પેટર્ન મુજબ થઈ રહ્યું છે. માત્ર એટલું જ નહીં પરંતુ વેબસાઈટ દ્વારા તૈયાર કરવામાં આવેલા ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટમાં આ અંગેની વિસ્તૃત છણાવટ પણ કરવામાં આવી છે. આ સ્ફોટક મીડિયા રિપોર્ટમાં કચ્છની એક કંપની સહીત અમદાવાદ અને દેશભરમાં આવેલી એવી કંપનીઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. (આ ત્રીસ કંપની કઈ છે અને તેમની ઉપર કેવી કાર્યવાહી થઇ હતી તે અંગેનો રિપોર્ટ 'વેબ ન્યૂઝ દુનિયા' દ્વારા હવે પછીના ભાગમાં પ્રસિદ્ધ કરવામાં આવશે)

વેબસાઈટના રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ, નાણાકીય વર્ષ 2018-19 થી 2022-23 વચ્ચે ભાજપને કુલ રૂ. 335 કરોડનું દાન આપનારી ઓછામાં ઓછી 30 કંપનીઓને આ જ સમયગાળા દરમિયાન કેન્દ્રીય એજન્સીઓના દરોડાનો સામનો કરવો પડ્યો હતો. 30 માંથી 23 કંપની તો એવી છે જેણે વર્ષ 2014થી લઈને તેમની ઉપર રેડ પડી તે પહેલા એક રૂપિયો પણ ભાજપને આપ્યો ન હતો અને જેવી રેડ પડી કે તરત 287.58 કરોડનું ફંડ ભાજપને આપી દીધું હતું. મજાની વાત તો એ છે કે, આ 23 કંપનીઓમાંથી ઓછામાં ઓછી ચાર એવી કંપની છે, જેમણે કેન્દ્રીય એજન્સીઓની રેડની કાર્યવાહીના માત્ર ચાર મહિનામાં જ ભાજપને કુલ રૂ. 9.05 કરોડનું દાન કર્યું હતું. 

આ રસપ્રદ એનાલિસિસમાં એવું પણ સામે આવ્યું છે કે, 6 કંપનીઓ એવી છે કે જેણે અગાઉ પણ ભાજપને દાન આપ્યું હતું, પરંતુ દરોડા પછીના મહિનાઓમાં દાનની રકમમાં વધારો થયો છે. અને એવી છ અન્ય કંપનીઓ છે જેણે થોડા વર્ષો પહેલા ભાજપને દાન આપ્યું હતું પરંતુ ત્યારબાદ એક વર્ષ માટે દાન બંધ કરી દીધું હતું. અને આ ફંડ રોકવામાં આવતા જ આ 6 કંપની ઉપર કેન્દ્રીય એજન્સીઓની કાર્યવાહી કરવામાં આવી હતી. જયારે આ જ સમયગાળા દરમિયાન, કુલ 32 કંપનીઓમાંથી માત્ર ત્રણ કંપનીઓએ વિપક્ષી પાર્ટી કોંગ્રેસને દાન આપ્યું હતું. 

આ આંકડાઓ- માહિતી નાણાકીય વર્ષ 2018-19 થી 2022-23 વચ્ચેના ચૂંટણી પંચના રેકોર્ડ્સ, કેસ ફાઇલો અને ફાયનાન્સિયલ સ્ટેટમેન્ટની 'ન્યૂઝલોન્ડ્રી' અને 'ધ ન્યૂઝ મિનિટ' દ્વારા કરવામાં આવેલી તપાસના તથ્યો ઉપર આધારિત છે. કેટલાક કિસ્સાઓમાં, કંપનીઓ ઉપર પાડવામાં આવેલા દરોડા દરમિયાન અથવા પછી દાન આપવામાં આવ્યું હતું અને અન્યમાં, દાન આપતી કંપનીઓને લાઇસન્સ આપવામાં આવ્યા છે અથવા તો લાઇસન્સ મંજૂર કરવામાં આવેલા છે. રાજકીય ભંડોળની ઉઘરાણી ખંડણી કરતાં ઓછું નથી તેવા આક્ષેપો અગાઉ પણ થતા રહયા છે ત્યારે વેબસાઈટના આ અહેવાલમાં ઉલ્લેખિત ઘટનાઓ કેન્દ્રીય એજન્સીઓ દ્વારા દરોડા-સર્વે અને ભાજપને મળેલા દાન વચ્ચેની એક ચોક્કસ પેટર્ન તરફ ઈશારો કરી રહ્યા છે.